શુ હોય છે, ઘૂંટણના ઘસારા નાં શરૂઆતી લક્ષણો?

તમારા ઘૂંટણનાં લીધે તમને ખૂબ તકલીફ પડી રહી છે. ઉઠવામાં,બેસવામાં, ચાલવામાં,દાદર ચડ ઉતર કરવામાં ખૂબ તકલીફ થઇ રહી છે.

તમે ડૉક્ટર પાસે ગયા અને તેમણે તમને એક્સ રે ની સલાહ આપી છે, તેને જોયા પછી તેમનુ કહેવું છે કે તમારા ઘૂંટણની ગાદી સંપૂર્ણપણે ઘસાઇ ગઇ છે. તેને ઓપેરશનની જરૂર છે. સાંધા પ્રત્યારોપણ સર્જરી કે જેને અંગ્રેજીમા જોઈન્ટ રીપલેસમેન્ટ તરીકે પણ ઓળખવામા આવે છે તે કરવાની જરૂર છે.

તમને આશ્ચર્ય થશે, આટલા ટુંક સમયમાં મારા ઘૂંટણ ઘસાઈ કેમ ગયા ! મારી ઉમર તો નાની છે. મારા દાદા કે દાદીએ વર્ષો સુધી ખેતી કામ કર્યુ ,બળનું કામ કર્યુ પણ તેમનાં ઘૂંટણ તો સારા હતાં. અને મને તો હમણાં આ વર્ષ થી જ વધું દુખવા લાગ્યા છે. મને તો ખ્યાલ જ ના રહ્યો.

હા સાચું છે, તમારા વ્યસ્ત જીવનમાં તમને ખ્યાલ જ ના રહ્યો કે ક્યારે તમારા ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ. તમારા મનમાં પણ જરુર સવાલ હશે કે શુ શરૂઆતમાં ધ્યાન આપવાથી તેને વધતુ રોકી શકાયું હોતે?

તેનો જવાબ છે …….હા. ઘસારા ને વહેલો આવતો અટકાવી શકાય છે. જે ગાદી ઉંમર પ્રમાણે ૭૦ કે ૮૦ વર્ષે પછી સંપુર્ણ પણે ઘસાઈ જવી જોઈએ તે ૪૫ થી ૫૦ વર્ષ આસપાસ ઘસાઈ જાય છે તેનુ મુખ્ય કારણ આપણી જીવનશૈલી, અપૂરતી માહિતી છે.

શરૂઆતી લક્ષણો જાણવા ખૂબ જરુરી છે. જેથી કરીને આગળ જઇને સાંધા ને થતા મોટા નુકશાનથી બચાવી શકીયે.

શરૂઆત મા એક થી બે કલાક પલાંઠી વાળ્યા પછી ઉભા થતી વખતે ઝીણો દુઃખાવો તેમજ દસ ડગલાં ચાલવામાં તકલીફ જે થોડું વધું ચાલતા ગાયબ થઈ જાય છે.

ઉભડક પગે ટોયલેટ અથવા તો કપડા ધોયા બાદ ઉભા થવામાં તકલીફ તેમજ દસ થી પંદર ડગલાં સુધી ચાલવામાં ઝીણો દુઃખાવો થાય છે.

દાદર ચડઉતર દરમ્યાન ઝીણી તકલીફ થવી. સવારે ઉઠી ચાલવા મા મંદ તકલીફ થવી, જેવા લક્ષણો જોવા મળે છે.

સામાન્ય રીતે લોકો તેનાં પર ધ્યાન નથી આપતાં કેમકે તેમને ચાલવામાં વધું તકલીફ નથી અને ઉપર દર્શાવેલી તકલીફો વધતી ઉંમર પ્રમાણે છે એવું માની લે છે. આ લક્ષણો ધીમે ધીમે કરતા વધતા જાય છે અને જ્યારે ચાલવામા અને ઉઠવા બેસવામાં વધારે પડતી તકલીફ થાય તયારે ચેક અપ કરાવતા હોય છે, જેનો ઉપાય ઓપરેશન જ હોય છે. સમયસર નાની પડતી ઘૂંટણ ની તકલીફ ને અવગણવી જોઈએ નહી.

Call Now Button